Monday, December 1, 2008

~*~*~*~*~* તું હવે તો આવ… ~*~*~*~*~*

ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.
અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !
ખેતરમાં ઊગવાને કોઈ ઈચ્છતું નથી,
જ્યાં મૂળ છે ત્યાં ટૂંપણું છે, તું હવે તો આવ.
ઢાળી દીધાં છે ઢોલિયે ખેતર અને આ જાતબાકી
ફકત શિરામણું છે, તું હવે તો આવ.
આંખોથી અળગી કેમ કરું ?
આ પ્રતીક્ષા તોદૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.
ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.
દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.
શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

~*~*~*~*~* બગડેલા સંબંધનું શું? ~*~*~*~*~*

બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તોરસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાંસપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તોઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈનફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

~*~*~*~*~* પ્રેમ છે ~*~*~*~*~*

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

~*~*~*~*~* રણ ની તરસ હતી… ~*~*~*~*~*

સૌ કાજ જે હવા છે, મારો શ્વાસ, બસ!
હતી,ઉચ્છવાસ થઈ જેમાં તું થતી એકરસ હતી.
મોસમ જીવન ને હોય છે, ઠૂંઠું છું હું,
મનેએક જ ઋતુ પ્રતિક્ષાની આખું વરસ હતી..
પાડ્યો જરી ઘસરકો કે બસ! દુઃખ નીકળ્યું,
બાકી તો સૌની ચામડી કેવી સરસ હતી !
કાયમ રહી ભલે ને આ આંખો અરસ-પરસ,
ભીતર કદી ન ખૂટી એ રણ ની તરસ હતી.
જીત્યા ની છે તને તો દીધાની મને ખુશી,
ચોપાટની રમત, પ્રિયે! કેવી સરસ હતી !
એવું ય નહોતું અંત ની જાણ જ હતી નહીં,
હાવી જયેષ્ઠ કુરૂ ની મન પર ચડસ હતી.
ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.
લૂંટ્યો મને, સફળ થયાં લેવામાં પ્રાણ પણ,
પામ્યાં કદી ન શબ્દ જે, કોની જણસ હતી?

~*~*~*~*~* અગર શ્વાસ હોય તો ~*~*~*~*~*

રસ્તામાં ક્યાંક મારી પડી લાશ હોય તો,
આપો ઉછીના ચંદ અગર શ્વાસ હોય તો.
ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
મારા ગુના અતૂટ અફર કેદ થઈ ગયાં,
છટકી શકું દિલે જો બચી પ્યાસ હોય તો.
અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.
સીમા ઉવેખી બેઠા શું સૌ એ જ કારણે?
ફળ અંતે જો મર્યાદાનું વનવાસ હોય તો.
ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,
ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો.
મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો!
દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો.

~~~~~~~ મળતી રહે ~~~~~~~

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.
હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.
છું સમય ની છીપ માં રેતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.
હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

~~~~~ મને આ સફર મળે ~~~~~

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે, શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!
વિકસી ને દુનિયા કેટલી આગળ વધી,
જુઓ!માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.
સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ,
ઓ ખુદા!જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.
શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

~~~~~~ રેતી ~~~~~~

રેતી
મરમ જિંદગી નો કહી જાય રેતી,ચરણરજ બની, સરમુકુટ થાય રેતી.
સતત ઝાલવું, જિદ્દ એ કોને ફળી છે?સતત હાથ માંથી સરી જાય રેતી.
છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.
ગયાં તારા સ્પર્શ ના ઊંટો પછી થી,હથેળી થી દિલ માં ગરી જાય રેતી.
પ્રણય ની વિમાસણ, છે કહેવું ઘણું પણ,તું સામે હો, પગ થી સરી જાય રેતી.
લગન હોય સાચી જો ખિસકોલી જેવી,દિલો માહ્ય સેતુ બની જાય રેતી.
મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.
તમે સાથ છોડો, રહે શું જીવન માં?આ ઘડિયાળ માં બસ, સર્યે જાય રેતી.
ડૉ. વિ. ટેલર